એક પુસ્તક



એક પુસ્તક,
અનેક પાનાંવાળું, સુઘડ રીતે બીડાએલું.
પાને પાને નવીન ઘટનાઓ, સ્મરણો અને
અવનવા અફ્સાનાઓથી કોતરાએલું પુસ્તક;
જેના દરેક પાનાને છે પોતાનો અંગત ઇતિહાસ,
ગમ, આનંદ, વ્યથા અને ઉપહાસ;
છે એની દરેક કથનીનું
આગવું કરણ, કારણ અને આકર્ષણ.
છતાં, જીવનના આ ગ્રંથને અટવાતો ય જોયો,
વિધિની વક્રતાઓમાં કંઈક એમ ,
કે ચીતરાયું હોય  ઘણુંય એનાં પૃષ્ઠોમાં,
પણ, ન પામે એકાદ કોઈ નાજુક નમણું કાવ્ય
એમાં મુદ્રણ;
જેના શબ્દે શબ્દ, છંદે છંદ, અને લયે લયને
સમાવવાની ભાંજઘડમાં
જીવાઈ જાય અનેક વિધ કાવ્યો;
અને એ મનગમતી કવિતાના પ્રાસ તો પછી
મળતા રહે; ક્યાંક ત્રુટક ત્રુટક અકસ્માતે;
અધુરપોમાંથી ટપકતા એવા પૂર્ણ થકી જ,
સંતોષતો રહે નિજને, વાચક કિતાબનો એ.
એમ અથથી ઇતિ સુધી વંચાઈ ગયા પછી પણ,
ઘણી વેળા સ્વયં પુસ્તકને શાતા મળતી નથી;
કે યથાર્થ રૂપે સમજનાર આગળ એને વાચા મળતી નથી;
ને વિધાતાલિખિત ભવપોથીનાં, ગુઢાર્થપૂર્ણ એ પાનાં,
 પરિસ્થિતિના પવન સાથે 
ફંગોળાતાં રહે છે, એમ જ; ઉદ્દેશ્યવિહીન!
Categories: gujarati poetry | 10 Comments

પોલાણ

હું તો જાણે ખાલીખમ પોલાણ;
પોલાણ, સંઘરાય જે વાંસના પોલા ટુકડામાં.
હંમેશા ઘેરીને રહેતું મને,
નીતિનિયમ, વ્યવહાર અને સંસ્કારોનું કાષ્ઠ.
અવકાશભર્યું પોલાણ છું,
જો વિસ્તરું તો અનંતને સ્પર્શું,
પણ થાય ઉછેર મારો કંઈક એવા અંશે મહદ;
કે પેલું કાષ્ઠ જ મને બક્ષતું રહે કદ,
નિયત અને સીમિત.
સમયના દરેક દૌરમાં,
મર્યાદાઓના માળખામાં;
જો કે કાણાં તો રહ્યાં જ, મારે કાજ,
મુક્તિ આનંદ અને ઉમંગનાં,
અને છતાંય, બને છે એવું;
પરિવર્તનની પરમ સીમાને પામેલા,
આજના યુગમાં પણ;
કે સાહજિક રીતે જોતાં મારા વ્યક્તિત્વને,
નઝરે આવે, મર્યાદિત એ માળખું,
અને ભલમનસાઈએ બક્ષાએલાં
ચારેક એવાં કાણાં;
કાષ્ઠમય જડતાઓની મધ્યે,
કદાચ સંકડાઈને રહી ગયેલા,
મારા અસ્તિત્વનો વિચાર કરવા,
કોણ રોકાય છે ભલા ?
આમ તો શક્તિરૂપેણ છું સ્વયં જ
કારણ કે સ્ત્રી છું;
પણ કદી એવું ય સંભવતું રહ્યું છે,
યુગાંતરોથી, સ્ત્રીત્વની સફરમાં;
કે હોઉં જડતાઓમાં જડેલી, લાખ;
કોઈ એક સોંસરવો ફૂંકાઈ જાય
સરગમી શ્વાસ;
કે મુક્તિના મારગે,
એનો ધરી સંગ,
વિસ્તરી જાઉં રાગિણી સમ;
ને સામાન્યત: આકારાતી,
દુન્યવી દીવાલોથી;
એવી મારી, એક સ્ત્રીની,
પોલા વાંસ સરખી પિછાણને
આપી જાઉં, સપ્તસૂર પ્રસવતી
કો વાંસળીની ઉપમા.

Categories: Uncategorized | 10 Comments

घीन बरसे

फुल मसले जाते हैं,  
तारे नोचे जाते हैं,  
ये बच्चे, क्यों
बचपन मे कुचले जाते हैं?
बाग़ोमे  माली खड़े,
जिस  हाथ खाद खिलाई,
उसी हाथ क्यों खुशबू मिटाई?
शहर, कसबों या गावोंमे  
खेलना, कूदना ऐसे, जैसे,
पंख लगे हो पाओंमे; 
होंठ, हँसी  और अजब सवाल,
मानों, तितलियाँ  उड़, उड़ रंग हज़ार;
ख़याल, फिक्र और कितना प्यार,
पहेले, पहेल जब जगमे आते;
फिर बेजान सामान बराबर,
क्यों बेशर्मिसे बेचे जाते?
राह चलते कुत्ता या बिल्ली,
एक बार जो  नैन ज़ांके,
अबोध शैशव सुं  रब निहारे; 
फिर कैसे ये सांप, अजगर, 
फ़न फैलाए डंस कर भागे?
घर घाट या गली मोहल्ला; 
सिस्कियाँ  हो या हो-हल्ला;
नियम कानून रख जेब मे इसका,
सक्षक सारे पल्ला झाडे
टीस उठे और घिन बरसे जब,
“बालशोषण” की बात चले!!!!
 
Categories: urdu/hindi poetry | 4 Comments

આપણો દિવસ

એકાદ દિવસ એવો હોય,
જે તારો ને મારો સહિયારો હોય;
બર્ફીલા પર્વતની ટેકરીનો ટેકો હોય,
કાં સાગર પગ તળે ઘૂઘવતો હોય;
કોઈ પુરાતન કિલ્લાનો ખામોશ ઝરુખો હોય,
ને ઉપર તારના ટોળાં,
કાં પછી ચાંદ ચળકતો હોય;
લીલાશા વનમાં ઝરણા કિનારે ઉતારો હોય;
અફાટ રણની ઠંડી રાત,
ન દિશા, ન ઓવારો હોય;
સંગીતના સૂરે મઢેલી સંધ્યા,
મારા શ્વાસે સૂર પુરતો શ્વાસ તારો હોય;
દર્પણે ટેકવેલી હોય એમ આંખ તારી,
કે વધતાં વર્ષોનાં વરખ વખોડાઇ જાય;
ને તેથી, સોળે કળાએ ખીલતો શણગાર મારો હોય;
મારા કથન, કાર્યોને તોળ્યા કરે સંસાર,
વિશ્વાસે ગરજતો નાદ તારો  હોય; ,
મારા સર્વેસર્વા, તને આરાધું હું,
મને સર્વ રૂપે તારામાં તું સમાવતો હોય;
પ્રિય અને પરીચિતોથી છલકતી,
મારી હયાતનાં લાંબાં લાંબાં વર્ષોમાં,
કોતારાયો એકાદ દિવસ એવો પણ હોય; 
જે તારો ને મારો સહિયારો હોય!!!!
 
 
Categories: gujarati poetry | 5 Comments

વેગળો છે ચિંતક

વિચારવાની જેને આદત જ છે,
ખીલ્યા કરે એવા મનમાં,
અને ખર્યા કરે,
વિચારો અનેક;
જાણે કોઈ અલ્પજીવી પુષ્પનું ગુચ્છ;
નિરભ્ર આકાશ સમા ભાસે છે વિચારો,
જ્યાં સુધી ઘુમરાતા હોય માત્ર મનોજગતમાં;
ગગન સમા ગહન, વિશાળ, ઉન્નત ને અતાગ,
કૌતુકીય ઘણા લાગે, આવા અકથ્ય વિચારો;
વ્યક્ત થાય જેવા
લિખિત કે મૌખિક સ્વરૂપે;
યોગ્ય કે અયોગ્ય,
પ્રચ્છન્ન કે પ્રભાવી,
નક્કર કે વાહિયાત,
પોષક કે શોષક,
સર્જક કે અસર્જક;
અનેક લેબલમાં જકડાય વિચારો ;
વખતે લેબલનો ભાર વધે,
વિચારનો પ્રવાહ ફંટાય,
વિચારકના માનસમાં ફંગોળાય,
કંઈક જુદા જ વિચારો;
“ઠાલા ચિંતનનું મહત્વ શું?
ને અભિવ્યક્ત થઈને પણ શું બદલાવ લાવશે વિચારો?”
આત્મસાત પોતાનાથી જ થાય, ન થાય ઘણીવાર,
વળી પ્રશ્ન ઉભો રહે, અમલ યા અનુસરણનો;
વેગળો છે ચિંતક, એવી સઘળી જરૂરિયાતો અને સામર્થ્યોથી,
પ્રગતિના પથદર્શક બની રહેવાની ક્ષમતા માત્રથી,
ઉજ્જ્વળ રહેવાના એના વિચારો ;
રક્ષાય,પોષાય પૂરતાં;
સંઘ, સમૂહ યા પ્રણાલીનાં હિતો;
વળી શું આણે, અભિવ્યક્તિનાં પરિણામ વિચારો;
ને જળવાશે શું, અમલીકરણ મધ્યે નૈતિક મૂલ્યો ?
મુક્ત છે આ બધા ઉદવેગથી એ મન,
ઉજવવા ઉત્સવ, કેવળ એમના ઉદભવ નો;
જેમાં સ્ફુરે છે,
અહિંસક, પણ ક્રાંતિપ્રેરક વિચારો.

Categories: gujarati poetry | 3 Comments

કલમ ઉપાડી છે

ના, ના કોઈ ખાસ વિચાર નથી,
કે જેથી કલમ ઉપાડી છે.
આ તો ભટકી રહી હતી,
ઘણા વખતથી, બેમતલબ દુનિયાદારીમાં;
જરા થોભવાનું મન થયું,
ને કલમ ઉપાડી છે.
પાલવને છેડે લટકાવીને ચાવીઓનો ઝૂડો,
ઘણો લખ્યો હિસાબ,
લાવવો કેમ કુનેહથી,
મહિના માસનો છેડો;
પણ દિલ-દિમાગનું સરવૈયું મેળવ્યું, તો લાગ્યું;
જાણે ઘણા વખતે કલમ ઉપાડી છે!
સુનામી, ષડયંત્રો ને વોટનાં દંગલ;
સળગતા પ્રશ્નોનું ચિંતન,
ન વ્યક્ત થાય, ન થંભે કયાંય;
ક્યાંક તો વાચા મળે,
જનતા જનાર્દનની ગૂંગળામણને,
અકળાઈને છેવટે કલમ ઉપાડી છે.
તોફાની બાળકો સમા વિચારો,
મચાવી રહ્યા રમખાણ મનમાં;
અનુશાસનમાં લાવવા એમને,
સામે ખુદની જ, છડી તો નહિ;
હા, કલમ ઉપાડી છે.
શબ્દોની થડીઓને
આધી પાછી કરીને જોઉં જરા,
અસ્તિત્વનો કદાચ, કોઈ અર્થ મળે;
યંત્રમય જીવાતા આયખામાં,
કરવા થોડી ઉથલપાથલ;
બસ, કલમ ઉપાડી છે.
આપણી વચ્ચેના અગોચરને, કદી તો
પાર્થિવદેહ મળે;
એ જ આશાએ, તસ્બી નહીં;
આજે કલમ ઉપાડી છે!!!

Categories: Poetry | 6 Comments

ઘડિયાળના કાંટા

ખાલી બપોરે,
ખાલીખાલી જ સૂતા કોક દિ,
અનિમેષ આંખો અવલોકી રહે છે,
ઘડિયાળના બે કાંટા;
સમયના વિરાટ વહેણને નિયત પોતે જ કરે છે,
એવા ભ્રમમાં રાચતા,
બે કાગદી કિનારાઓ નીરખી રહ્યાનો ભાસ થાય છે જાણે;
નૌકા વિહાર ટાણે કદી ભ્રમિત થાય જેમ,
કે પાણી યા નૌકા નહિ,
પણ કીનારા જ હલેસાથી હડસેલતા હોય;
એમ આવા શાંત સમયમાં, ઘડિયાળના કાંટા ને નીરખતાં
માલૂમ થાય છે,
જાણે સમય નહિ,
બસ કાંટા જ
ગતિમાન છે!
લહેર દર લહેર એના વહેણમાં,
વૈવિધ્ય રચાતું અનુભવાય છે;
વહાવી જાય છે કદી એ પોતાની સાથે
સવારોની ચેતના, સંધ્યાની રંગત,
કે પછી ઠંડી ઘેરી રાતોની ગૂંગળામણ.
રંગીન પતંગિયાં  સમા આ કાંટા,
મીઠી મીઠી પળોમાંથી મધ સેવી,
કદી તો
કિતાબોમાં શબ્દ્પુડો બનાવે; યા
છેવટ સંવેદનાવૃક્ષ પર સ્મૃતિપુડો ય ગુંથી લે!
જીવનમાં ખીલખીલાટ હાસ્ય વહે,
ને શરીરમાં લોહીનું ભ્રમણ વધે;
એવામાં એવા તો થનગની રહે
ને આ કાંટા,
જાણે હરીફાઈમાં ઉતર્યા હોય,
ઉછળતા ઉચ્છવાસ સાથે.
પ્રતીક્ષાભરી પાંપણોથી નીરખો,
તો એવા અશક્ત લાગે;
જાણે ભાવોનો ભાર વેઢાંરતા,
બિચારા કેમેય ખસી ના શકતા હોય.
પ્રશ્નોમાં પરોવાયેલી પળો,
એમ ટાંગેલી લાગે આ કાંટા ઉપર;
જાણે ભિષ્મ સૂતા છે બાણશૈયા પરે,�
ને અંતિમસ્પંદનો સરકતાં જાય,
ક્ષણોની ક્ષિતિજેથી દૂર, દૂર ને દૂર….
આગળ દોડતા, દોડતા,
કદી પાછળ ભાગવા લાગે;
ને ટુકડાઓમાં વહેંચાએલું,
ખાલી મનમાં વેરાએલું,
કંઈક અમૂલ્ય એવું;
ચૂપચાપ હથેળીમાં મૂકી વહી જાય.
કદી બિલ્લી પગે પીછો કરું;
“જાય છે ક્યાં આ કાંટા,
મારી અગણિત જીવનક્ષણો ને ચોરીને?”
તો જણાય એટલું ઓ ખુદા;
કે આ તો તારા ભણી જ ભાગી રહ્યા છે!
જ્યાંથી મને લાવ્યા છે, તે જ ઠામ ઠેકાણે
મને પાછી પહોંચાડી રહ્યા છે!
હું હોઉં, કે ન હોઉં; જિંદગીના કેફમાં;
મારી યાત્રાના અંજામ પ્રતિ,
કેટલા સભાન છે,
ઘડિયાળના આ ટિકટિકિયા કાંટા?!!!
Categories: gujarati poetry | 11 Comments

अलग बात

 

है ये अलग बात,
की बांगो के वक़्त मुसल्लों मे
मै तुमसे कभी मिलती नहीं  ;
मगर ये भी है एक सच,
की मेरा दिल, और मेरी हर बात 
होते कभी तुम्हारी 
 याद से खाली नहीं !
Categories: urdu/hindi poetry | Leave a comment

નહિ તો વહી જઈશ હું!

મન થાય છે કવિતા લખવાનું,
ઘણું મન થાય છે કવિતા લખવાનું!
હવે તો લોકો પણ કહેતા થઇ ગયા છે,
‘ચાલુ રાખજે શબ્દોને સાધવાનું!’
પણ, હમણાં હમણાંથી કોઈ પ્રાસ નથી મળતા;
તો વળી છંદ તો શું, કડીઓનાં જોડકણાં પણ નથી જડતાં!
ખરે જ કવિતાનાં ખોવાયાં છે હા,
પ્રેરણા, હાર્દ, અને લાવણ્ય સઘળાં!વળી વિચારોના વાવડ લાવે એવા
કલ્પનાઓના કાસદ પણ નથી મળતા!
જૂઓને કર્તવ્યોના કાટમાળ વચાળેથી,
મનોવિહારના મોકળા મારગેય નથી મળતા!
અને એટલે જ તો આજકાલ,
કાગળો ઉપર કલમનાં કોઈ પાદચિહ્ન પણ નથી મળતાં!
આમ છતાંય, આમ છતાંય હું આશાવાદી છું કે
એકદા ખુદ કવિતા મને ઢંઢોળતાં કહી દેશે કે ‘લખી લે, લખી લે મુજને,
પળ નહિ જ ચૂકતી, નહિ તો વહી જઈશ હું!

Categories: gujarati poetry | 8 Comments

હાસિલ

હાસિલ
વરસાદી તોફાન આવ્યું,
અને જતું રહ્યું.
તણખલું એક સૂકા ઘાસનું,
કંઈક ભીનાશ સંકેલી ને ઊડતું રહ્યું.
હોઠ ઉપર ટળવળતી પ્યાસમાં,
મીઠાશનું લાવણ્ય ચર્ચાતું રહ્યું;
પણ કિસ્મત, એ અનિમેષ વિહ્વળતાની;
કે ઊછળતા સમુદ્રની લહેરોમાં,
ખારાશ મઢ્યું કફન વણાતું રહ્યું.
એક પ્રતિબિંબ, ખબર નહિ ક્યારથી
આંખોના જામમાં ઓગળતું રહ્યું;
છતાં, દર્પણ હ્રદયનું,
શરમની આછેરી ધૂળને
આરોપતું રહ્યું.
જિંદગીના  ફલક ઉપર,
કાચના ટુકડાથી લઇ, તેજોમય તારલાઓ જેવું,
આમ તો કંઈ કેટલુંય ચમકતું રહ્યું;
પણ, કોણ સમજાવે આ મનને,
છુપાતા, પ્રગટતા આગિયા ને પામવા
જે ઝૂરતું રહ્યું!
સપ્તપદીમાં સાથે ચાલેલું જણ,
કર્તવ્યોના દેવાલયમાં દેવત્વ પામતું રહ્યું;
કોણ જાણે શું થશે હાસિલ
આ નાસ્તિક હ્રદયને;
હાડચામથી વીંટળાયેલા,
એક પથ્થર જ જે આરાધતું રહ્યું?
Categories: gujarati poetry | 1 Comment

Blog at WordPress.com. Theme: Adventure Journal by Contexture International.

Follow

Get every new post delivered to your Inbox.